ગુસ્સો તમારાં હાથમાં, કે તમે ગુસ્સાનાં હાથમાં ???

ચાલો,આજે ગુસ્સા ઉપર વાત કરીએ.અત્યારના સમયમાં જ્યાં ફક્ત યુવાનો જ નહીં,પરંતુ બાળકો પણ ગુસ્સો કરતાં હોય છે ત્યાં ક્રોધ નિયંત્રણ એક મહત્વનો વિષય બની આવે છે. હાલના સમયમાં બાળકો કોઈ વસ્તુ લેવા માટેની જીદ તો ક્યારેક કોઈ અન્ય વાત ઉપર ગુસ્સો કરે છે જેના પરિણામે બાળકોની માનસિક અવસ્થા ઉપર અસર થાય છે.આજે થોડી ક્રોધ અને તેના નિયંત્રણ માટેના ઉપાયો વિશે ચર્ચા કરીશું.

ક્રોધ આમ તો એક સામાન્ય લાગણી જ કહી શકાય.તેને સારું કે ખરાબ કહેવો તે યોગ્ય નથી. છતાંય સામાન્ય રીતે, ગુસ્સાની ગણના તેની માઠી અસર ના કારણે નકારાત્મક લાગણીમાં જ થાય છે.ખાસ કરીને નાના બાળકો અને આસપાસના લોકોની માનસિક સ્થિતિ ઉપર કરે છે.

ગુસ્સાની શરીર ઉપર થતી અસરો વિશે વાત કરીએ તો તે માત્ર શારીરિક કે માનસિક જ નહીં,પરંતુ વ્યક્તિના આસપાસ ના લોકો ઉપર અને કારકિર્દી ઉપર પણ માઠી અસર વર્તાય છે.

શારીરિક અસર:- ગુસ્સાને કારણે શરીરમાં ઘણી બીમારીઓ જોવા મળે છે.જેવી કે, ડાયાબિટીસ,હૃદયને લગતી બીમારી,ઊંઘ ન આવવી,નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી બીમારીઓ થઈ શકે છે.

માનસિક અસર :- લાંબા સમયના ગુસ્સા માં સ્વભાવના કારણે માણસ ને ચિંતા,ડિપ્રેશન અને અન્ય માનસિક રોગો થવાની પણ શક્યતા છે.

કારકિર્દી:- ગુસ્સાને કારણે ઘણી વાર લોકો પોતાની કારકિર્દી અને ધંધામાં ઘણું નુકસાન ભોગવી ચૂક્યા છે.

સંબંધ :- ગુસ્સાએ સંબંધ ને પણ બાકી નથી રાખ્યો.ગુસ્સાની સંબંધ ઉપર એટલી માઠી અસર થાય છે કે લોકો વાત કરતા પણ ડરે છે.તેની ખાસ કરીને બાળકો ના માનસ ઉપર ખરાબ અસર થાય છે.

ક્રોધ નિયંત્રણ એ કોઈ સરળ વાત નથી પરંતુ અશક્ય પણ નથી.ગુસ્સા ને દબાવવાની જગ્યા એ નિયંત્રણ ની જરૂર છે.

  • જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. અને તમારું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત કરો.
  • ગુસ્સો આવે ત્યારે ઝડપથી ૧૦૦ થી ઊંધી ગણતરી શરૂ કરો.તેનાથી ધ્યાન બીજે દોરી શકાય.
  • સંગીત સાંભળવાથી પણ ગુસ્સો દૂર કરી શકાય છે.
  • જે વ્યક્તિ ઉપર ગુસ્સો છે તેની સાથે વાત કરવાનું ટાળો.
  • થોડો સમય પોતાની સાથે પસાર કરો.
  • શાંત જગ્યાએ ચાલવા જઈ શકાય અથવા કોઈ પણ શારીરિક કસરત કરી શકાય.
  • ગમતી વ્યક્તિ સાથે વાતચીત કરો.
  • ડાયરીમાં ગુસ્સાનું કારણ અને મનની વાત ડાયરીમાં લખી શકાય.તેનાથી ગુસ્સો પણ નીકળશે અને કોઈ ને હાનિ પણ નહીં થાય.
  • પોતાનું મનગમતું કામ કરો જેમ કે ડાંસ કરો, ચિત્રો દોરી શકાય અથવા સાફસફાઇ પણ કરી શકાય.તેનાથી મન પ્રફુલ્લિત થાય અને મન પણ શાંત થાય છે.

આ તમામ ઉપાયોથી ક્રોધ નિયંત્રિત થઈ શકે છે.પરંતુ આ ઉપરાંત સાયકોલોજીસ્ટ અમુક સંજોગોમાં દવાઓ પણ આપે છે,જે ગુસ્સાને કાબૂ કરવામાં મદદરૂપ થાય છે.

-Dr. Pooja Patel

Leave a comment